Gujarati Bal Varta: ગુજરાતી બાળ વાર્તાઓ: ગુજરાતી વાર્તાઓ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગુજરાતી ભાષામાં લખાયેલી, આ વાર્તાઓ ઘણીવાર ગુજરાતની પરંપરાઓ, મૂલ્યો અને દૈનિક જીવનને પ્રતિબિંબિત કરે છે. તે લોકવાયકા, નૈતિકતા, ભક્તિ, રમૂજ અને સામાજિક સંદેશાઓ જેવા વિવિધ વિષયોને આવરી લે છે. પ્રાચીન લોકકથાઓ અને પંચતંત્ર-પ્રેરિત વાર્તાઓથી લઈને પ્રખ્યાત ગુજરાતી લેખકોની આધુનિક ટૂંકી વાર્તાઓ સુધી, આ વાર્તાઓ તેમની સરળતા, શાણપણ અને સાંસ્કૃતિક ઊંડાણથી વાચકોને પ્રેરણા આપતી રહે છે.
Gujarati Bal Varta: ગુજરાતી બાળ વાર્તાઓ
1. ઉંદરની ટોપી

એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એને થયું, લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો દરજી પાસે.
ઉંદર દરજીને કહે, “દરજીભાઈ, દરજીભાઈ, મને ટોપી સીવી આપો”.
દરજી કહે, “જા. જા. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી”.
ઉંદર કહે, “એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા” – એટલે કે, “સિપાહીને બોલાવીશ. બરાબરનો માર ખવરાવીશ. ઉભો ઉભો તમાશો જોઇશ”.
દરજી તો ડરી ગયો. એ ઉંદરને કહે, “ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપી સીવી આપું છું”.
એણે સરસ મજાની ટોપી સીવી આપી. ઉંદર તો રાજી રાજી થઇ ગયો. પછી એને થયું કે આવી મજાની ટોપી પર ભરત ભર્યું હોય તો કેવું સારું લાગે?
એ તો ઉપડ્યો ભરત ભરવાવાળા પાસે. જઈને કહે, “ભાઈ, મને મારી આ ટોપી પર મજાનું ભરત ભરી આપ”.
ભરત ભરવાવાળો કહે, “જા. જા. તારા જેવા ઉંદર માટે ભરત ભરવા મારી પાસે સમય નથી”.
ઉંદર કહે, “એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા”.
ભરત ભરવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, “ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપીને ભરત ભરી આપું છું”.
ઉંદર રાજી રાજી થઇ ગયો. પછી એને થયું કે આવી મજાની ભરત ભરેલી ટોપી પર મોતી ટાંક્યાં હોય તો કેવું સારું લાગે?
એ તો ઉપડ્યો મોતી ટાંકવાવાળા પાસે. જઈને કહે, “ભાઈ, મને મારી આ ટોપી પર સરસ મજાના મોતી ટાંકી આપ”.
મોતી ટાંકવાવાળો કહે, “જા. જા. તારા જેવા ઉંદર માટે મોતી ટાંકવા મારી પાસે સમય નથી”.
ઉંદર કહે, “એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા”.
મોતી ટાંકવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, “ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપીને મોતી ટાંકી આપું છું”.
ઉંદર એકદમ ગેલમાં આવી ગયો અને નાચવા કુદવા લાગ્યો.
ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહે, “એય ઉંદરડા, આઘો ખસ અહીંથી. રાજાની સવારી નીકળે છે”.
ઉંદર સિપાહીઓને કહે, “નહીં ખસું. રાજાની ટોપી કરતાં તો મારી ટોપી વધારે સારી છે”.
આ સાંભળીને રાજા ચિડાઈ ગયો. એણે સિપાહીઓને કહ્યું કે, “આ ઉંદરની ટોપી લઇ લ્યો”.
ઉંદર ગાવા લાગ્યો, “રાજા ભિખારી… રાજા ભિખારી. મારી ટોપી લઇ લીધી…મારી ટોપી લઇ લીધી…”.
રાજાએ સિપાહીને કહ્યું, “આની ટોપી પાછી આપી દો. મને ભિખારી કહે છે”.
સિપાહીઓએ ઉંદરને એની ટોપી પાછી આપી દીધી.
ઉંદર ગાવા લાગ્યો, “રાજા મારાથી ડરી ગયો…રાજા મારાથી ડરી ગયો…”
આમ નાચતો, ગાતો એની ટોપી પહેરીને ઉંદર એના ઘરે ગયો.
2. ખોડ ખોડ દાળીયો દે
એક છોકરો દાળિયા ઉછાળીને ખાતો હતો. એમાં એક દાળીયો ખોડ (છાપરા)માં પડ્યો.
છોકરો કહે, “ખોડ ખોડ, દાળીયો દે”.
ખોડ કહે, “જા. નહીં દઉં”.
છોકરો તો ઉપડ્યો સુથાર પાસે. એ સુથારને કહે, “સુથાર, સુથાર, ખોડ કાપ”.
સુથાર કહે, “જા. નહીં કાપું”.
છોકરો તો ગયો રાજા પાસે. એ રાજાને કહે, “રાજા, રાજા, સુથારને દંડ દે”.
રાજા કહે, “જા. નહીં દઉં”.
છોકરો ગયો રાણી પાસે. છોકરો રાણીને કહે, “રાણી, રાણી, રાજાથી રિસાઈ જા”.
રાણી કહે, “જા. નહીં રિસાઉં”.
છોકરો ઉપડ્યો ઉંદર પાસે. એ ઉંદરને કહે, “ઉંદર, ઉંદર, રાણીના ચીર કાપ”.
ઉંદર કહે, “જા. નહીં કાપું”.
છોકરો ગયો બિલાડી પાસે. એ બિલાડીને કહે, “બિલાડી, બિલાડી, ઉંદરને માર”.
બિલાડી કહે, “જા. નહીં મારું”.
છોકરો ગયો કુતરા પાસે. એ કુતરાને કહે, “કુતરા, કુતરા, બિલાડીને માર”.
કુતરો કહે,”જા. નહીં મારું”.
છોકરો ગયો લાકડી પાસે. એ લાકડીને કહે, “લાકડી, લાકડી, કુતરાને માર”.
લાકડી કહે, “જા. નહીં મારું”.
છોકરો ઉપડ્યો આગ પાસે. એ આગને કહે, “આગ, આગ, લાકડીને બાળ”.
આગ કહે, “જા. નહીં બાળું”.
છોકરો ગયો પાણી પાસે. એ પાણીને કહે, “પાણી, પાણી, આગ બુઝાવ”.
પાણી કહે, “જા. નહીં બુઝાવું”.
છોકરો ગયો હાથી પાસે. એ હાથીને કહે, “હાથી, હાથી, પાણી સુકવ”.
હાથી કહે, “જા. નહીં સુકવું”.
છોકરો ઉપડ્યો મચ્છર પાસે. એ મચ્છરને કહે, “મચ્છર, મચ્છર, હાથીના કાનમાં બેસી જા”.
મચ્છર તો હાથીના કાનમાં બેસવા લાગ્યું! હાથી કહે, “અરે! અરે! મારા કાનમાં ન બેસ. હું પાણી સુકવું છું”.
પાણી કહે, “ના ભાઈ, મને સુકાવીશ નહીં. હું આગ બુઝાવું છું”.
આગ કહે, “ના ના. મને બુઝાવશો નહીં. હું લાકડી બાળું છું”.
લાકડી કહે, “ના મને બાળીશ નહીં. હું કુતરાને મારું છું”.
કુતરો કહે, “ના ભાઈ, મને મારશો નહીં. હું બિલાડીને મારીશ”.
બિલાડી કહે, “ના મને ન મારશો. હું ઉંદરને મારું છું”.
ઉંદર કહે, “ના ના. હું રાણીના ચીર કાપીશ”.
રાણી કહે, “ના ભાઈ, ચીર ન કાપીશ. હું રાજાથી રિસાઉં છું”. રાજા રાણીને કહે, “ના રિસાઈશ નહીં. હું સુથારને દંડ દઈશ”.
સુથાર કહે, “ના ના. હું ખોડ કાપી આપીશ”. ખોડ કહે, “ના મને ન કાપીશ. હું છોકરાને એનો દાળીયો આપું છું”.
છોકરાને એનો દાળીયો મળી ગયો!
Gujarati Story
3. સસ્સા રાણા સાંકળિયા
એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. બાવાજી રોજ જંગલમાંથી તાજાં, પાકાં ફળો અને શાકભાજી લઇ આવતા.
એક વાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડીએ આવી પહોંચ્યા. તાજાં, પાકાં ફળો, શાકભાજી જોઇને સસ્સાભાઈ તો રાજી રાજી થઇ ગયા. એ તો બાવાજીની ઝુપડીમાં ઘુસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું. પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા.
થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝુંપડીનું બારણું બંધ છે. બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝુપડીમાં કોણ ઘુસી ગયું હશે? એમણે બારણું ખટખટાવી પૂછ્યું, “ભાઈ, અંદર કોણ છે?”
સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
“એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ બાવા નહીંતર તારી તુંબડી તોડી નાખું…”
બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી. ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા.
પટેલે બાવાજીને પૂછ્યું, “બાવાજી, આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો?”
બાવાજીએ પટેલને સસ્સા રાણા વાળી વાત કરી. પટેલ કહે, “ચાલો, હું તમારી સાથે આવું”.
પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, “અંદર કોણ છે?”
સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
“એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ પટેલ નહીંતર તારી તુંબડી તોડી નાખું…”
પટેલે આવું કૌતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા. એમણે ગામના મુખીને બોલાવ્યા. ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, “અંદર કોણ છે?”
સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
“એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ મુખી નહીંતર તારી તુંબડી તોડી નાખું…”
મુખી પણ ગભરાયા. બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે?
બધાએ બાવાજીને કહ્યું, “તમે આજે ઝુંપડીમાં ન જાવ. આજની રાત ગામમાં જ રહો”. બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા.
સસ્સાભાઈને તો બહુ મજા પડી ગઈ. એમણે તો ધરાઈને ખાધું અને પછી નિરાંતે સુઈ ગયા. સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા.
આ વાતની શિયાળભાઈને ખબર પડી. એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘુસી ગયા. બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝુંપડીમાં ઘુસી ગયું છે.
બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા. બધાએ બારણું ખટખટાવી પૂછ્યું, “અંદર કોણ છે?”
શિયાળભાઈ બોલ્યા,
“એ તો શિયાળભાઈ સાંકળિયા.
ડાબે પગે ડામ.
ભાગ બાવા. નહીતર તારી તુંબડી તોડી નાંખું”.
બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા. “અરે આ તો શિયાળવું છે”.
બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું. અંદર જઈ શિયાળને બરાબરનો મેથીપાક આપ્યો!
શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં.
હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસ્સાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા?
4. મા મને છમ્મ વડું…
એક ગામ હતું. એમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને સાત દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો – ખવરાવતો.
એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડાં નથી ખાધાં તો લાવ આજે વડાં ખાઈએ. પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડાં ન બની શકે. એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સુઈ જાય પછી વડાં બનાવજે.
રાત પડી અને દીકરીઓ સુઈ ગઈ. પછી એમની માએ વડાં બનાવવા માંડ્યાં. વડાં બનાવતાં ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ્મ એવો અવાજ થાય. છમ્મ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ.
એ તરત રસોડામાં ગઈ અને બોલી, “મા મને છમ્મ વડું…”.
માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.
પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ્મ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એણે પણ મા પાસે જઈ કહ્યું, “મા મને છમ્મ વડું…”. માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.
આમ કરતાં સાતેય દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઇ ગયો. માંડ માંડ વડાં ખાવા મળતાં હતાં અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો સાતેય દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો.
છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દુર દુર દોડવા માંડી. એણે એક સરસ મજાનું મકાન જોયું. એણે મકાનમાં અંદર જઈ જોયું તો ખુબ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઇ ગઈ. નાચવા કુદવા લાગી. એણે તરત જ એની છ બહેનોને બોલાવી. સાતેય બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ-પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી.
આ બાજુ એમના બાપને ખુબ પસ્તાવો થયો કે, “અરેરે. હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડાં ખાધાં એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે?”
એ તો દોડતો જંગલમાં ગયો. ત્યાં એણે જોયું કે એની સાતેય દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી. સારું સારું ખાઈ-પીને ગુલાબી અને તંદુરસ્ત થઇ ગઈ હતી. એ ખુબ જ ખુશ થઇ ગયો. દીકરીઓને ભેટી પડ્યો. પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો.
5. ટચુકિયા ભાઈ: Gujarati Bal Varta

એક ગામમાં એક ઘરડાં માજી રહેતાં હતાં. એમને કોઈ બાળકો નહોતા. માજી એકલાં રહેતાં હતાં. એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયાં. એમણે એક ફણસ તોડ્યું. ઘરે આવીને ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું. માજીએ એનું નામ સાંગો પાડ્યું. માજી એને ઉછેરવા લાગ્યા. એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો. માજીએ એનું નામ સરવણ પાડ્યું.
ફરી એક દિવસ માજીને ફણસમાંથી બાળક મળ્યું. માજીએ એનું નામ લાખો પાડ્યું. એ પછી પણ ફણસમાંથી બાળક નીકળ્યું એનું નામ લખમણ પાડ્યું. માજી ચાર દીકરાને ઉછેરવા લાગ્યા. થોડા વખત પછી ફરી એક વાર ફણસમાંથી એક બાળક નીકળ્યું. આ બાળક સાવ ટચુકિયો હતો! એનું નામ ટચુકિયા ભાઈ પાડ્યું. માજી અને આ પાંચ દીકરા સુખથી રહેવા લાગ્યા.
એક દિવસ માજી જંગલમાંથી જતાં હતાં ત્યાં સિંહ મળ્યો.
સિંહ માજીને કહે, “માજી, હું તમને ખાઈ જઈશ”.
માજી સિંહને કહે, “અરે ભાઈ, મને ઘરડીને શું ખાઇશ? હું મારા તાજા માજા દીકરા ટચુકિયાને મોકલું છું. એને ખાજે”.
સિંહ કહે, “ભલે, તો મોકલો તમારા ટચુકિયાને”.
માજી જાણતા હતાં કે ટચુકિયો બહુ જ ચાલાક છે. એ જરૂર કોઈ રસ્તો કાઢશે.
માજીએ ઘરે જઈને ટચુકિયા ભાઈને કહ્યું કે જંગલમાં સિંહ મામા રહે છે. એ તમને મળવા બોલાવે છે.
“ટચુકિયા ભાઈ રે, મામા ઘરે જાજો…”
ટચુકિયાભાઈ સમજી ગયા કે સિંહમામા કાંઈ અમસ્તા મળવા ન બોલાવે. એ કહે,
“ના મા, મામા મને ખાય…”
માજીએ ટચુકિયા ભાઈને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાંને સિંહથી બચાવો.
ટચુકિયાભાઈએ માજીને કહ્યું કે તમે સિંહને કહો કે આપણે ઘરે જ જમવા આવે.
માજી જંગલમાં ગયાં. સિંહે માજીને કહ્યું, “કેમ, તમારો ટચુકિયો ન આવ્યો? હવે હું તમને ખાઉં”.
માજીએ સિંહને કહ્યું કે, “સિંહભાઈ, તમે અમારા ઘરે જ જમવા આવોને? મારે પાંચ દીકરા છે”.
સિંહને થયું, “આ સારું. માજીને ઘરે જઈશ તો માજી અને એના પાંચ દીકરા એમ છ માણસ ખાવા મળશે”.
સિંહ તો માજીને ઘરે ગયો. પાંચેય દીકરા સાથે ખુબ વાતો કરી. પછી માજીએ સિંહને કહ્યું કે, “સિંહભાઈ, તમે શું જમશો?”
સિંહ કહે,
“પહેલાં તો ખાશું સાંગો ને સરવણ.
પછી તો ખાશું લાખો ને લખમણ.
પછી તો ખાશું ટચુકિયા ભાઈને.
છેલ્લે ખાશું ડોહલી બાઈને…”
ટચુકિયાભાઈ સિંહને કહે, “મામા, એટલા જલ્દી અમને ન ખાશો. પહેલાં અમારી એક વાર્તા સાંભળો”. આમ કહી એમણે સિંહને વાત કહી કે અમે પાંચ ભાઈ ભેગા મળીને કોઈને કેવી રીતે મારીએ અને પછી ગાવા લાગ્યા,
“હાથડા તો જાલશે સાંગો ને સરવણ.
પગડા તો જાલશે લાખો ને લખમણ.
ગળું તો કાપશે ટચુકિયા ભાઈ.
દીવડો તો જાલશે ડોહલી બાઈ…”
સિંહને થયું, “ઓ બાપ રે! આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે. તો ચાલ ભાઈ, ભાગ અહીંથી…”
સિંહ તો જાય ભાગ્યો…
ટચુકિયાભાઈ બુમ પાડીને કહે, “અરે સિંહમામા, જમ્યા વગર કેમ ભાગ્યા?”
પછી માજી અને પાંચેય દીકરા મજાથી રહેવા લાગ્યા.

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.